ડાળ આ વિશ્વાસની તૂટી જશે નો’તી ખબર,
રાહબર મારા મને લૂંટી જશે નો’તી ખબર.
વાસ્તવિકતા આખરે તો વાસ્તવિકતા હોય છે,
કલ્પનાના મહેલ સૌ તૂટી જશે નો’તી ખબર.
એક સરવાળો કર્યો તો બાદબાકી થઈ ગઈ,
વય વધે તો આયખું ખૂટી જશે નો’તી ખબર.
વેદનાની વાડ ઠેકી દોસ્તો મારા બધા,
લાગણીનાં ફૂલને ચૂંટી જશે નો’તી ખબર.
ઠાલવ્યું’તું દિલ અમે દરિયો ગણીને એમને,
આમ પરપોટો થઈ ફૂટી જશે નો’તી ખબર.
એક અમથી વાત એનું કાળજું વીંધી ગઈ,
શબ્દ મારા બાણ થઈ છૂટી જશે નો’તી ખબર.
આ જગતનાં દર્દ પર રડવું હતું મારે ,
આંખમાંથી આંસુઓ ખૂટી જશે નો’તી ખબર
" સમિર ગોહિલ "
nice one
ReplyDeletetoo good... keep it up dear
ReplyDelete